વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જયારે ‘સ્વાસ્થ્ય
દિવસ’ના ૭૫ વર્ષ ઉજવી રહ્યું છે અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સૌનું
ધ્યાન દોરી રહ્યું છે ત્યારે આ જ દિશામાં કાર્ય કરતું હેલ્પ્સ ફાઉન્ડેશન કઈ રીતે
પાછળ રહી શકે. ‘Health For All’ ના ધ્યેયને ધ્યાનમાં રાખીને
સાથે હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલના માર્ગદર્શન અને
સહયોગ હેઠળ સુરેન્દ્રનગરની અંબાલા ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે “શારીરિક અને
માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ”યોજવામાં આવ્યો હતો. જેમાં હું(યાશ્રી), અંજલી, અને જયોતિકા સ્વયંસેવકો તરીકે જોડાયા હતા.
સ્વાસ્થ્યના દરેક અલગ પાસાને આવરી લઈને આ કાર્યક્રમમાં વિવિધ
વિષયો પર વાત કરવામાં આવી હતી. જેમકે શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે જરૂરી ચોખ્ખું પાણી અને શરીરની સ્વચ્છતા - આ વિષય પર
અંજલીએ બાળકોને માહિતગાર કર્યા. એ પછી પોષણયુક્ત આહાર સંબંધિત બાબતોથી ડૉ. કાજલ
પટેલ દ્વારા તેમને જાગૃત કરવામાં આવ્યા. મેં અને જયોતિકાએ અનુક્રમે મોબાઈલના વ્યસન અને તમાકુ તથા
સિગારેટના વ્યસન જેવા વિષય અંગે બાળકો સમક્ષ રજૂઆત કરી. આ આયોજન બાદ શાળાની જ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ સમક્ષ ‘સ્ત્રી
સ્વચ્છતા’ બાબતે પણ વાતો કરવામાં આવી જેમાં તેમને મૂંઝવતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ તેઓમાં સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું.
ભારતની આવનારી પેઢીને પોતાના અને પોતાના કુટુંબના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જવાબદાર બનાવવા તથા જાગૃત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
- દેસાઈ યાશ્રી






